
સિવિલ હોસ્પિટલ પેનલના ડોકટરો દ્વારા સગીરાના ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવાનો હુકમ
અમદાવાદ: ૦૯’૦૭’૨૦૨૨, શનિવાર
ત્રણ મહિનાનો ગર્ભ ધરાવતી સગીર વયની દુષ્કર્મ પીડિતાના ગર્ભપાત માટે અત્રેની ભદ્ર સેશન્સ કોર્ટે એક મહત્વના ચુકાદા મારફતે મંજૂરી આપી છે. એડિશનલ સેશન્સ જજ તરુણા કે.રાણાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબો અને તજજ્ઞોના અભિપ્રાય અને જરૂરી ફીઝીબલ રિપોર્ટ સહિતના દસ્તાવેજો ધ્યાનમાં લઇને સિવિલ હોસ્પિટલના મેડિકલ બોર્ડ અને પેનલના ડોકટરો દ્વારા સગીરાના ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવાનો હુકમ કર્યો છે. કોર્ટે મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી(અમેન્ડમેન્ટ)એકટ-૨૦૨૧માં નિર્દિષ્ટ પ્રક્રિયા અને તે અંતર્ગત ઘડાયેલા રુલ્સનું ચુસ્તપણે પાલન કરવા સહિતના અગત્યના નિર્દેશો પણ હુકમમાં જારી કર્યા છે.
કોર્ટે તેના મહત્વના આદેશમાં ડીએનએ આઇડેન્ટીફિકેશન માટે ગર્ભમાંથી બ્લડ સેમ્પલ, ટિશ્યુ લઇ સ્ટાન્ડર્ડ મડેકિલ પ્રેકટીસ દ્વારા પ્રસ્થાપિત સાયન્ટીફિક પ્રેકટીસનું પણ અનુસરણ કરવા હુકમ કર્યો હતો. આ નમૂનાઓ એફએસએલમાં પરીક્ષણ અર્થે તપાસનીશ અધિકારીને પણ આપવા હુકમ કર્યો હતો. તપાસનીશ અધિકારીએ આ નમૂનાઓ ડીએનએ ટેસ્ટ અને અન્ય મેડિકલ પરીક્ષણ માટે એફએસએલમાં મોકલી આપવાના રહેશે. એટલું જ નહી, આ નમૂનાઓ અને તેના રિપોર્ટ ટ્રાયલના હેતુસર જાળવી રાખવાના રહેશે. સગીરાના ગર્ભપાત બાદ તેનો વિગતવાર રિપોર્ટ અદાલતમાં રજૂ કરવાનો રહેશે. ગર્ભપાત બાદ પીડિતાને તેના સારા સ્વાસ્થ્ય માટે મેડિકલ બોર્ડ દ્વારા જરૂરી જણાય ત્યાં સુધી પૂરતી સારવાર પણ પૂરી પાડવાની રહેશે.
સગીર વયની દુષ્કર્મ પીડિતાના ત્રણ મહિનાના ગર્ભના ગર્ભપાત માટે પીડિતાની માતાએ કરેલી અરજીમાં રાજય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કોર્ટનું કેટલાક મહત્વના મુદ્દાઓ પરત્વે ધ્યાન દોરતાં જણાવ્યું હતુ કે, પ્રસ્તુત કેસમાં પીડિતાની ઉમંર પંદર વર્ષ એક માસ અને ચાર દિવસની છે. સગીરાની સિવિલ હોસ્પિટલમાં કરાયેલ તબીબી તપાસમાં તેણીને ત્રણ માસનો ગર્ભ હોવાની વાત સ્પષ્ટ થઇ છે. અરજદારની માતા અને પિતા તેમ જ ખુદ પીડિતા આ ગર્ભ રાખવા માંગતા નથી.
સરકારપક્ષની દલીલો ધ્યાનમાં લીધા બાદ કોર્ટે કહ્યું કે, પીડિતા ગર્ભપાત માટે ફીઝીબલી સક્ષમ છે કે નહી, જો ગર્ભપાત કરવામાં આવે તો તેણીને જાનનું જોખમ છે કે કેમ, તેણીની માનસિક અને શારીરિક પરિસ્થિતિ ધ્યાનમાં લેવા સહિતના મુદ્દે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબો પાસેથી પીડિતાનો તબીબી તપાસનો વિગતવાર અહેવાલ મંગાવ્યો હતો. જેમાં સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટના નિષ્ણાત તબીબો અને તજજ્ઞોએ રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે, પ્રસ્તુત કેસમાં પીડિતાને ૧૨ સપ્તાહ અને ત્રણ દિવસનો ગર્ભ છે અને તેણીના મેડિકલ રિપોર્ટ, ફીઝીબલ સક્ષમતા અને અન્ય પરિસ્થિતિ જોતાં ચોક્સાઇ સાથે તેણીના ગર્ભનો ગર્ભપાત શકય છે. સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તજજ્ઞોના રિપોર્ટ બાદ કોર્ટે ફરી એકવાર પીડિતાના માતા-પિતાને અને ખુદ પીડિતાને પૃચ્છા કરી હતી અને તેમની ઇચ્છા જાણ્યા બાદ એડિશનલ સેશન્સ જજ તરુણા કે.રાણાએ પીડિતાની માતાની અરજી મંજૂર કરી ઉપરમુજબ હુકમ કર્યો હતો.