જિલ્લા પંચાયતના પ્રતિનિયુક્ત સેને. ઇન્સ્પે.ની પ્રતિનિયુક્તિથી રદ્દ થતા ચકચાર
પ્રતિનિયુક્તિ લંબાવવા ગાંધીનગર સુધીની દોડાદોડ
અમદાવાદ:૧૦’૦૭’૨૦૨૨, રવિવાર
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ લાંબા સમયથી સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે. કોરોનાકાંડમાં ખરીદી કૌભાંડ, સિક્યુરિટી કે આઉટસોર્સ ના ખોટા બિલો, રોગી કલ્યાણ સમિતિમાં કરાયેલી શંકાસ્પદ નિમણુંકો બાબતે સતત આક્ષેપો થયા છે. આ તમામ મામલે સેનેટરી ઇન્સ્પેક્ટર ની પોસ્ટ કડીરૂપ છે. દરમિયાન હાલના પ્રતિનિયુક્તિ સેનેટરી ઈન્સ્પેક્ટર ની નિમણૂક રદ્દ થતાં હડકંપ મચી ગયો છે. આજ કારણોસર સિવિલમાં લાંબા સમયથી રાજ્ય સરકાર ના સેનેટરી ઇન્સ્પેક્ટર ટકવા ન દઈ જિલ્લા પંચાયતથી પ્રતિનિયુક્તિ ઉપર આવેલા સેનેટરી ઇન્સ્પેકટર થી કામગીરી કરવામાં આવતી હોવાનું સૂત્રો જણાવે છે.
ખોટા બિલ કૌભાંડના આક્ષેપો
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી સાફ સફાઈ તથા અન્ય ઘણી કામગીરી આઉટસોર્સથી કરવામાં આવે છે. આ તમામ કામગીરી નું સુપરવિઝન સેનેટરી ઇન્સ્પેક્ટર એ કરવાનું હોય છે. જેમાં આઉટસોર્સના કર્મચારીઓ ની સંખ્યા, તે મુજબની કામગીરી અને સરકારી ધારાધોરણો મુજબ તેમનો પગાર ચુકવાય છે કે કેમ તે તમામ નું સુપરવિઝન સેનેટરી ઇન્સ્પેક્ટરએ કરવાનું હોય છે. આમ કરોડો રૂપિયા ના બિલોની ચુકવણી સેને. ઇન્સપેક્ટર ની રાહબરી હેઠળ થાય છે. આ કરોડો રૂપિયાના બિલોમાં ભ્રષ્ટાચાર ના આક્ષેપો પણ થયા છે. જેમાં કેટલાક ચોક્કસ કર્મચારીઓ અને અધિકારીઓ ની ભાગબટાઈ છે. જેના કારણે કોઈ નક્કર પગલાં લેવાતા નથી એમ સૂત્રો કહે છે.
ઉલ્લેખનીય છેકે ભૂતકાળમાં આઉટસોર્સના કર્મચારીઓ ના પગાર બાબતે અનિયમિતતા, ગેરરીતિઓ બાબતે કર્મચારીઓ એ હડતાળો દ્વારા વિરોધ પણ કર્યો છે. પરંતુ કોઈ નક્કર પગલાં લેવાયા નથી. જેનું મુખ્ય કારણ સિવિલમાં સેનેટરી ઇન્સ્પેક્ટર ની મહત્વની પોસ્ટ પ્રતિનિયુક્તિથી ચાલતી હોવાનું જવાબદાર છે એમ સૂત્રો જણાવે છે.
PIL બાદ જી.પંચાયતના કર્મચારીની પ્રતિનિયુક્તિ હંગામી હતી
સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ 2014માં ડેન્ગ્યુના કેસમાં ડોક્ટરોના મૃત્યુ થયા બાદ હાઇકોર્ટે માં થયેલી પબ્લીક ઇંટ્રેસ્ટ લિટીગેશન બાદ રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા સેનેટરી ઇન્સ્પેકટર ન હોવાથી હંગામી ધોરણે જિલ્લા પંચાયત માંથી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ને નીમવામાં આવ્યા હતાં. જેને પાછળથી સેનેટરી ઇન્સ્પેકટર ની હંગામી નિમણૂક માં ખપાવી દેવામાં આવી હતી. આ દરમિયાન ફેબ્રુઆરી 2014માં સરકારી મહિલા સેનેટરી ઇન્સ્પેક્ટર ની સિવિલમાં નિમણુંક થઈ હતી. પરંતુ આ મહિલા સેનેટરી ઇન્સ્પેક્ટર પણ કોઈ કારણોસર સિવિલમાં થી ટ્રાન્સફર લઈ જતા રહ્યાં હતાં.
રાજ્ય સરકારના સેને. ઇન્સ્પેક્ટર ને ટકવા દેવાયા નહિ.
દરમિયાન 2017માં રાજકોટ થી સરકારી સેનેટરી ઇન્સ્પેક્ટર ને ટ્રાન્સફર કરી સિવિલ હોસ્પિટલમાં મુકવામાં આવ્યા હતાં. આ દરમિયાન પણ જિલ્લા પંચાયત માંથી આવેલા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સિવિલમાં જ કામગીરી કરતા હતાં. પરંતુ નિયમાનુસાર કામગીરી કરતા રાજ્ય સરકાર ના સેનેટરી ઇન્સ્પેક્ટરની અગમ્ય કારણોસર 11 જ મહિનામાં સિવિલ કેમ્પસમાં જ બી.જે મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતાં. આમ સિવિલ હોસ્પિટલમાં સતત યેનકેન પ્રકારે રાજ્ય સરકારના સેનેટરી ઇન્સ્પેકટર ને ટકવામાં દેવામાં આવતા ન હોવાનું સૂત્રો જણાવે છે.
આમ ફરી આઉટ સોર્સ થી માંડીને તમામ મહત્વની વર્ગ 4 ની કામગીરી નો હવાલો સતત પ્રતિનિયુક્તિથી આવેલા જિલ્લા પંચાયતના કર્મચારીને સોંપી દેવામાં આવ્યો. સિવિલના વહીવટી વિભાગના સૂત્રો કહે છે કે સરકારી સેનેટરી ઇન્સ્પેક્ટર હોવા છતાં પ્રતિનિયુક્તિ વાળા કર્મચારીને સેનેટરી ઇન્સ્પેક્ટર ની કામગીરી સોંપવા પાછળ કેટલાક મોટા માથાના અધિકારીઓ છે. જેમની સરપરસ્તી હેઠળ આખું આઉટસોર્સનું તંત્ર ચાલી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે આ દરમિયાન વર્ગ 4 ના કર્મચારીઓ ના પગાર ભથ્થા બાબતે, રજા પગાર બાબતે ઘણા વિરોધ થયા છતાં કોઈ કડક પગલાં લેવાયા નહીં, વળી વિરોધ કરનારા કર્મચારીઓ ને ટ્રાન્સફર કે નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. આ તમામ માટે કરોડો રૂપિયાના બિલો અને તેમાં થઈ રહેલો ભ્રષ્ટાચાર જવાબદાર હોવાનું સૂત્રો કહે છે.
યોગ્ય નિમણુંક અને તટસ્થ તપાસ મોટા કૌભાંડ બહાર લાવશે.
હવે જ્યારે હાલના પ્રતિનિયુક્તિ થી આવેલા સેનેટરી ઇન્સપેક્ટર ની પ્રતિનિયુક્તિ રદ્દ થઈ છે ત્યારે સિવિલના કેટલાક ચોક્કસ અધિકારીઓ ની જિલ્લા પંચાયતના કર્મચારી ની પ્રતિનિયુક્તિ લંબાવવા ગાંધીનગર સુધી દોડા દોડ કરી મૂકી છે. મહત્વની વાત તો એ છે કે જ્યારે સિવિલ કેમ્પસમાં જ આવેલી બી.જે મેડિકલ કોલેજમાં રાજ્ય સરકાર દ્વારા નિમણુંક પામેલા સેનેટરી ઇન્સ્પેક્ટર છે છતાં જિલ્લા પંચાયત ના કર્મચારીની જ ફરીથી કેમ સિવિલમાં જ નિમણુંક કરાવવી છે તે બાબત સિવિલ હોસ્પિટલના વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સાથે કેટલાક જુના કર્મચારી રોગી કલ્યાણ સમિતિમાં નિમણુંક મેળવી આઉટસોર્સનો હવાલો મેળવી લેવા તજવીજ કરી રહ્યા હોવાનું સૂત્રો જણાવે છે. ત્યારે જો આ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય અને તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણી બધી ગેરરીતિઓ અને કૌભાંડી કર્મચારી અધિકારીના નામ બહાર આવે તેવી શક્યતાઓ છે, એમ સિવિલ હોસ્પિટલના સૂત્રો જણાવે છે.